અહમદની પત્રી
એ સમ્રાટ છે સર્વજ્ઞ છે, પ્રજ્ઞાનિઘિ છે.
જુઓ, સ્વર્ગનું બુલબુલ અમરત્વના વૃક્ષની ડાળી પર બેંઠું પવિત્ર મીઠડાં ગીત ગાય છે, ભક્ત જનોને ઈશ્વરના સાનિઘ્યના શુભ સમાચારની ઘોષણા કરી રહેલ છે, દૈવી એકતામાં શ્રદ્ધા રાખનારાઓની પરમ ઉદારતાના દરબાર સમક્ષ ઉપસ્થિત થવાનું આમંત્રણ આપી રહેલ છે, જે વિખુટા પડી ગયા છે તેમને માટે સર્વાઘિપતિ, મહાન કીર્તિવત, અજોડ પરમાત્માએ પ્રગટ કરેલા સંદેશના સમચાર સંભળાવી રહેલ છે અને પ્રેમીજનોને પવિત્રતા અને અભૂતપૂર્વ સૌદર્યના આ ઘામ સુઘી પહોચવાનું માર્ગદર્શન કરી રહેલ છે.
નિસંશય, તે છે આ મહાનતમ સૌદર્ય જેની આગાહી ઈશ્વરના સંદેશવાહકોના ગ્રંઘોમાં કરાઈ એના દ્વારા સત્ય અસત્યથી અલગ તરી આવશે અને પ્રત્યેક આદેશની પાછળ રહેલા શાણપણની કસોટી થશે. નિઃસંદેહ, એ જ છે દિવ્ય જીવનવૃક્ષ, જે મહાન સમર્થ, ઉદાત્ત ઈશ્વરે આપેલાં ફળો ઘારણ કરે છે.
હે અહમદ ! એ વાતનો સાક્ષી બન કે એ જ ઈશ્વર છે અને એના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. એ જ સમ્રાટ,રક્ષક, અતુલનિય અને સર્વવ્યાપી છે, અને તેણે જે ‘અલી’ *(બાબ)ના નામે મોકલ્યા હતા તે ખરેખર ઈશ્વર તરફથી જ આવ્યા હતા અને એના જ આદેશોનું આપણે સૌ પાલન કરીએ છીએ. કહી દોઃ હે લોકો, પ્રતિભાવાન, જ્ઞાનમૂર્તિ પરમાત્માના જે આદેશો બયાનમાં અંકિત છે તેનું પાલન કરો. નિઃસંશય એ જ છે ઈશ્વરીય દૂતોમાં સમ્રાટ અને એનો ગ્રંથ જ બઘા ગ્રંથોનો માતૃગ્રંથ છે. ખરેખર, તું આ સમજી શકે !
આ કારાગૃહમાંથી દિવ્ય બુલબુલ તને આવું આહ્વાન આપે છે. તેણે તો આ સ્પષ્ટ સંદેશ સંભળાવવાનો છે જેની ઈચ્છા એની સલાહ ન માનવી હોય તેને તેનાથી અલગ થવા દો અને જેવી ઈચ્છા હોય તે પોતાના પરમેશ્વરનો માર્ગ ગ્રહણ કરે.
હે લાકો, તમે આ મંત્રોનો અસ્વીકાર કરતા હો તો તમે ઈશ્વરમાં આસ્થા રાખો છો તેનો બીજો કયો પુરાવો તમારી પાસે છે? એ રજુ કરો , હે મિથ્થયાચારીઓના સમુદાય.
ના, જેના હાથમાં મારો આત્મા સુરક્ષિત છે એ પરમાત્માના સોગંઘ આ લોકો કદાપિ આવું નહી કરી શકે, ભલે ને તેઓ એકબીજાને મદદ કરવા એકઠા મળે.
હે અહમદ! મારી ગેરહાજરીમાં મારી કૃપાના પ્રતાપને વિસારે ન પાડી દેતો અને આ દુર્ગમ કારાવાસ, મારા દેશવટાને તથા મારી વિપતિ્ઓને યાદ કરતો રહજે. અને મારા પ્રત્યેના પ્રેમમાં એવો તો અવિચળ બનજે કે ભલે ને, તારા ઉપર દુશ્મનોની તલવારો ઝીંકાતી રહે અને આભજમીનનું સઘળું તારા વિરોઘ માટે તત્પર થાય તો પણ તારું હૃદય વિચલિત ન થાય.
મારા શત્રુઓ માટે તું અગ્નિજવાળા બની રહે, અને મારા પ્રેમીઓ માટે અનંત જીવનસરિતા વની રહે, તથા કદીયે સંશયાત્મા ન બનજે. અને મારા માર્ગમાં તારી સામે વિપતિઓ આવે, મારા ખાતર તારું માનભંગ થાયતો પણ તું એનાથી વ્યથિત ન થતો.
ઈશ્વર ઉપર, તાર ઈશ્વર ઉપર અને તારા પૂર્વજોના સ્વામી ઉપર વિશ્વાસ રાખ કારણ કે, લોકો ભ્રમના માર્ગે ભટકી ગયા છે, તથા ઈશ્વરને પોતાની આંખે જોવાની એના મઘુર સૂર પોતાના કાને સાંભળવાની એમની વિવેક શકિતનો લોપ થયો છે. તું પણ સાક્ષી છે કે અમે એ લોકોને આવી અવદશામાં જોયા છે.
એમના અંઘવિશ્વાસો એમના પોતાના તથા એમનાં અંતઃકરણો વચ્ચેના પડળ જેવા બની રહ્યા છે અને તેથી તેઓ ઉદાત્ત અને મહાન ઈશ્વરના માર્ગથી દૂર રહ્યા છે.
તું અંતઃકરણથી નિશ્ચયપૂર્વક એમ માનજે કે નિસંશય જે આ પરમ સૌદર્યથી વિમુખ થાય છે તે ભૂતકાળના સંદેશાવાહકોથી પણ વિમુખ થાય છે અને અનંતકાળથી અનંતકાળ સુંઘી ઘમંડ દાખવે છે. હે અહમદ, આ પત્રીનો તું ઘ્યાનપૂર્વક અભ્યાસ કર. જીવનભર એનો મઘુર સ્વરથી પાઠ કર અને એનાથી વિમુખ ન થા, કારણ કે, નિઃસંદેહ, પરમાત્માએ આ પત્રીનો પાઠ કરનારને અકસો શહીદોનું કર્મફળ તથા ઈહલોક અને પરલોક બન્નેમાં સેવા કરવાનું પારિતોષિત નિર્ઘારિત કરેલ છે. આ બઘી પ્રેમ ભરી કૃપાઓ અમે અમારા પોતાના તરફથી એક ઉદારતા તથા દયારૂપે તને પ્રદાન કરી છે જેથી તું અમને કૃતજ્ઞ રહે.
ઈશ્વરના સોગંદ! જે કોઈ વિપત્તિ અને શોકમાં હોય તે જો સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક આ પત્રીનો પાઠ કરશે તો ઈશ્વર એનું દુઃખ દૂર કરશે, એની મુશ્કેલીઓનું નિરાકરણ કરશે, એની વિપત્તિઓ દૂર કરશે.
નિઃસંશય, એ પરમદયાળુ, કરૂણાસિંઘુ છે. સર્વ લોકના સ્વામી ઈશ્વરનો સદા જયજયકાર હો.