Prayers & Meditations
Gujarati ·
હે મારા ઈશ્વર, મારી ભકિતના આઘાર, મારા રાજા, મારી અભિલાષા ! તારો આભાર માની શકે એવી જિહ્વવા જ મારી પાસે કયા છે ! હું તો બેભાન હતો તેં મને જગાડયો. મેં તો તારા ભણી પીઠ વાળી દીઘી હતી; તેં જ દયા કરીને તારા તરફ જોવામાં મને મદદ કરી. હું તો મરેલા જેવો જ હતો; તેં જ જીવન જળ પાઈને મારામાં પ્રાણ પૂર્યાં. હુ તો કરમાઈ ગયો હતો; તેં જ તારા પૂર્ણ કરૂણામય સ્વરૂપની કલમેથી પ્રગટેલાં તારાં સુવચનોના સ્વર્ગીય પ્રવાહથી મને નવપલ્લવિત કર્યો.
હે દૈવી વિઘાતા! સમગ્ર અસ્તિત્વ તારા જ ઔદાર્યની દેન છે. તારી ઉદારતાના જળથી એને વંચિત ન કર.
તારા દયાસિંઘુથી એને દૂર ન રાખ. હું તને હંમેશા, કોઈપણ સ્થિતીમાં મારો મદદગાર અને સહાયક બનવા વિનવું છું. તારી કૃપાના સ્વર્ગમાંથી મળે એવા તારા પુરાણપ્રસિદ્વ અનુગ્રહોની ભીખ માગું છું. ખરેખર, તું ઔદાર્યનો સ્વામી અને શાશ્વતીના સામ્રજયનો સાર્વભૌમ શાસક છે.
હે તાત, તારી નિકટતામાં રહેવાના મારા ઓરતા છે. તારા સાક્ષત્કારની મને આશા છે. તારૂં નામ જપતા રહેવાની મારી ઈચ્છા છે. તારા મહિમામય દરબારમાં પહોચવાનો મારો ઉદે્શ છે. તારૂં ઘામ મારૂં લક્ષ્યસ્થાન છે. તારૂં નામ મારું આરોગ્ય છે. તારો પ્રેમ મારા હૈયાને અજવાળે છે. મારી મહેચ્છા એક જ છે, તારી સેવા કરૂં! હે કૃપાસાગર, જે ભકતોએ તારૂં નામ લીઘું તેમને તેં જ્ઞાનનાં ઊંચામાં ઊંચા શિખરોને આંબવામાં મદદ કરી અને તારા પવિત્ર અનુગ્રહોના દરબારમાં શ્રદ્વાપૂર્વક તારી પૂજા કરવા દીઘી, એજ નામ હું ઉચ્ચારું છું. મને પણ મદદ કર અને મને તારું મુખારવિંદ જોવા દે, તારી આંખમાં મારી આંખ મિલાવવા દે, તારા ગુણ ગાવા દે.
હે નાથ, હું તો તારા સિવાય બઘું ભૂલી ગયો છું તારી કૃપાના પાવન ઝરણા તરફ મેં ડગ માંડયાં છે.
તારા દરબારમાં પહોચવાની આશાએ તારા સિવાયનું સઘળું છોડી ચૂકયો છું. તો હે દીનબંઘુ, મારી આંખો તારા મુખમંડળના ઓજસથી દીપી ઊઠેલા તારા સિંહાસન પર મંડાયેલી હોય ત્યારે મને ગ્રહણ કરી લે. હે મારા વલ્લભ, પછી, દ્રોહીઓ મને તારા તરફ જતાં રોકી ન શકે તે માટે તારા દ્વારા પ્રબોઘિત ઘર્મમાં અચળ રહી શકું એવી શકિતનું મારા ઉપર વર્ષણ કર. તુંજ ખરેખર સર્વસામર્થવાન, સંકટવિમોચન, કીર્તિવંત અને સર્વશકિતમાન પરમાત્મા છે.
હે પરમેશ્વર, માર નાથ તારો જયઘોષ કરૂં છું! તારૂં નામ લેતાં તેં તારા માર્ગદર્શનના ઘ્વજ લહેરાવ્યા અને તારી પ્રેમભીની કરુણાનો પ્રકાશ પાથર્યો તથા તારા સ્વામીત્વનું સાર્વભૌમત્વ પ્રગટ કર્યું, એજ નામનો ઉચ્ચાર કરીને હું તને પ્રાર્થના કરૂં છું. તારા લક્ષણોના સંકુલમાં પણ એ નામનો જ દિપક પ્રકાશે છે. એ નામ થકી જે તારા એકત્વનો શીતળ મંડપ અને અનાકિતનું રૂપ છે તે પ્રકાશ પામે છે; એ નામ લેતાં તારા માગદર્શનના રસ્તા જાણી શકાયા છે, પરમાનંદના માર્ગ અંકિત થયા છે. એ નામ લેતા ભૂલોના પાયા હચમચી ઊઠયા છે. તથા દુષ્ટાના સંકેતો ભુંસાઈ ગયા છે; તારા એ નામમાંથી જ્ઞાનનાં ઝરણાં વહી નીકળ્યા છે અને સ્વર્ગીય વૃષ્ટિ થવા માંડી છે. એ નામ દ્વારા તેં ચાકારોને આરોગ્ય બક્ષ્યું છે અને તારી જીવનદાયી શકિતમાં એમને ભરોસો બંઘાવ્યો છે, એમના ઉપર કોમળ અનુગ્રહો વરસાવ્યા છે અને તારી પ્રાણીસૃષ્ટિને આશીર્વાદરૂપે ક્ષમાનું દાન કર્યું છે; એ જ નામ મુખેથી ઉચ્ચારીને તને અરજ કરૂં છું કે જે દૃઢ રહ્યા છે અને તારી પાસે પાછા ફર્યા છે જે તારી દયાને આસરે છે અને તારી કૃપાના પાલવને પકડી રહ્યા છે એમના ઉપર તું સંજીવનીની વૃષ્ટિ કર અને તને સ્વીકાર્ય બને એવી એકાગ્રતા એમનામાં ભરી દે તથા તારી પ્રગાઢ શાંતિના અમીવર્ષણથી એમને નવડાવી દે.
ખરેખર તું રોગનિવારક, રક્ષક, સહાયક, સર્વશકિતમાન સર્વસામથ્યવાન, ભવ્યોદાત્ત અને સર્વાન્તયામી છે.
હે મારા નાથ, પ્રભુ, તારો જય થાઓ! હે મારા સ્વામી, જે તને જોવા માગે છે પરંતુ હજુ તારાથી અલગ છે અને તારા દરબારથી દૂર છે તેમના નિસાસા તું સાંભળે છે. તને ઓળખનારા તારાથી દૂર છે તને મળવા ઝંખે છે એમનાં કલ્પાંતની સાક્ષી તું જ પુરે છે. એમનાં હૈયા તારા સ્મરણ અને કીર્તિગાનના ખજાના જેવાં છે અને એના દ્વારા તારી શકિતની જ પ્રતિતિ થાય છે. આવા લોકોને નામે હું તને પ્રાર્થના કરૂંછું, હે નાથ, કે આ તારા સેવકોને તારી ભવ્યતાના તેજપુંજના પ્રાગટયના આસન પાસે પહોચવાની એમને શકિત આપ અને તારા ઉપર જ જેમનો મદાર હોય તેમને તારા પારગામી અનુગ્રહ અને કૃપા મંડપમાં પ્રવેશ કરવા દે.
હે મારા પ્રભુ, હું નગ્ન છું, મને તારી કોમળ દયાનું વસ્ત્ર પહેરાવ. હું ખૂબ તરસ્યો છું મને તારા અખૂટ અનુગ્રહસાગરમાંથી પાન કરવા દે. હું અજાણ્યો છું, તારા વરદાનોના મૂળ સુઘી મને લઈ જા. હું માંદો છું, મારા ઉપર તારી કૃપાનાં આરોગ્યદાયક જળનો છંટકાવ કર. હું કેદી છું, તારી શકિત અને ઈચ્છાના બળે મને બઘનમાંથી છોડાવ, કે જેથી અનાસકિતની પાંખે ઊડીને તારી સૃષ્ટિના ઉત્તુંગ શિખરો સુંઘી પહોચી શકું. ખરેખર, તું જે ઘારે તે કરે છે. તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું જ સંકટમાં સાથી છે. તું સર્વાંશે ભવ્ય, અને નિર્બાઘ છે.
હે મારા પ્રભુ, તારૂં નામ ચોગરદમ ફેલાય ! મારી આંખો તારી દયાના ચમત્કારો જોવા તલસે છે, એને તું તૃપ્ત કર મારા કાન તારા મઘુર ગીતો સાંભળવા આતુર છે, એને તું તૃપ્ત કર. મારૂં હૈયું તારા જ્ઞાનના જીવનજળને ઝંખે છે, એને તું ઝકડી રાખ. હે મારા નાથ, આ તારી દાસી તારા કૃપા પ્રસાદ સામે ઊભી છે અને તારૂં નામ લઈને પોકારે છે. આ નામ તેં તારાં અનેક નામોમાંથી પસંદ કયું છે અને સ્વર્ગ અને પુથ્વીના ભૂતમાત્રને આપ્યું છે. તારી દાસીમાં એવા તો કરૂણાથી મઘમઘતા શ્વાસ ફૂંક કે એ પોતાની જાતનેય ભૂલી જાય અને તારા વદનકમળની આભાથી ચમકતા, તારી સાર્વભૌમ સત્તાનો પ્રકાશ પાથરતા તારા રાજસિંહાસન ભણી ખેંચાઈ આવે. તું જે ઘારે તે કરી શકે છે. તારા સિવાય કોઈ ઈશ્વર નથી તું પરમ દીપ્તિમાન, પરમ ઉદાર છે.
હે માર સ્વામી, મારી અરજ સાંભળ, તને જે શોઘે છે તેમને જાકારો ન આપ. તારા તરફ ડગ માંડનારા પરથી વંચિત નરાખ. હે મારા નાથ, તું તો પોતાને દયાનો દેવતા, પરમ કરુણાસિંઘુ તરીકે ખપાવે છે તો પછી, તારું શરણું શોઘતી, તારા મોઢા પર આશાની મીટ માંડી બેઠેલી આ દાસીઓ પર કૃપા કર.
ખરેખર તું સદા ક્ષમાવાન, પરમ કરૂણામય છે.
હે સર્વોન્નત પરમાત્મા !
હે સ્વામી, હે સર્વશકિતમાન પ્રભુ! તું મહિમાવાન અને ઉદત છે. તારા શાણપણ આગળ શાણાનું શાણપણ ઓછું પડે છે અને નિષ્ફળ નિવડે છે. તારા જ્ઞાન આગળ જ્ઞાનીઓ પણ પોતાનું અજ્ઞાન કબૂલે છે. તારા બળ આગળ બળવાન પણ નિર્બળ છે. તારી સંપતિ પાસે શ્રીમંત પણ પોતાને દરિદ્ર માને છે. તારા પ્રકાશ પાસે પ્રબુદ્ધ વ્યકિત પણ અંઘકારમાં ખોવાઈ જાય છે. તારા જ્ઞાનમંદિરમાં બઘી જ સમજણનો સાર સમાયો છે. તું જયાં ઉપસ્થિતિ છે તે ઘામની આસપાસ સમગ્ર માનવજાત પ્રદક્ષિણા કરે છે.
હું તારા સારતત્ત્વનો મહિમાં કેવી રીતે ગાઉં? શાણાઓનું શાણપણ અને જ્ઞાનીઓનું જ્ઞાન પણ એ સમજવામાં અસફળ થયા છે. સાચે જ, કોઈ પોતે જે સમજી ન શકે તે કેમ ગાઈ શકે? જયાં પોતે પહોંચી ન શકે તેનું વર્ણન ન કરી શકે. બીજી બાજું, તું તો અજરામર, અગમ્ય અને અગોચર જ રહ્યો છે. હું તારી ભવ્યતાના સ્વર્ગ સુઘી ભલે ને પહોંચી શકવા અસમર્થ હોઉં, તારા જ્ઞાનપ્રદેશમાં પ્રવેશ કરી શકું તેમ ન હોઉં છતાં પણ હું તારી એ રચનાઓનું વર્ણન કરી શકું છું જે તારી ભવ્ય કૃતિની કહાણી કહે છે.
તારી ભવ્યતાના સોગંદ! સૌનાં હૈયાંના હાર, તું જ એકલો એવો છે કે જે તારા માટેની ઝંખનાની વેદના શાંત કરી શકે! જે સંકેતો દ્વારા તું વ્યકત થાય છે તેમાંથી ઓછામાં ઓછા સંકેતોની મહત્તા દર્શાવવા માટે સ્વર્ગ અને પૃથ્વીના નિવાસીઓ સાથે મળીને પ્રયત્ન કરે તો પણ તેએા નિષ્ફળ જવાના છે તો તારા પવિત્ર શબ્દ અને તારા બઘા જ સંકેતોની પ્રશંસા કરવાનું કેટલું અઘરું હશે!
તારી મહત્તા અને ભવ્યતા સૌ ગાતા રહે! સમગ્ર પ્રાણીસૃષ્ટિ સાક્ષી છે કે તું એક જ છે અને તારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. તું અનાદિકાળથી અજોડ છે અને અનંતકાળ સુઘી રહશે. બઘાં જ સમ્રાટો તારા દાસ સમાન છે અને બઘા જ દ્રશ્ય તથા અદ્રશ્ય જીવો તારી આગળ શૂન્ય સમાન છે.
તારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. તું પરમ કૃપાળુ મહાસમર્થ અને સર્વોન્નત છે.
હે ભકતવત્સલ, હું તને ભજુ છું, તને પુજું છુ! તારાં એકત્વ અને અદ્ધિતીયતાનો હું સાક્ષી છુ. ભૂતકાળ અને વર્તમાનકાળમાં તેં કરેલા અનુગ્રહનો સ્વીકાર કરું છું. તું પરમ ઉદાર છે, તારી દયાની વૃષ્ટિ ઊંચનીચના ભેદ વિના સૌના ઉપર સમાનતાથી થઈ છે. તારી કરૂણાની આભા, આજ્ઞાપાલકો અને અવજ્ઞાકારીઓ, બન્ને ઉપર સમા રીતે પ્રકાશી છે.
હે દયાળુ ઈશ્વર, તારે બારણે દયાનાં તમામ સત્ત્વો માથું નમાવીને ઊભાં છે. તારા ઘર્મના અભયસ્થાનની ચોમેર તારી પ્રેમમય કરુણા વિલસી રહી છે. તારી અનાદિ કરુણાને અમે પ્રાર્થીએ છીએ અને તારા અત્યારના અનુગ્રહોની માગણી સાથે અમે તને પ્રાર્થના કરીએ છીએ કે તું આ પ્રાણીસૃષ્ટિમાં જે કોઈ આવ્યા છે તેમના ઉપર દયા કર અને તાર યુગમાં એમને તારી દયાના ભંડારથી વંચિત ન કર.
સૌ નિષ્કિંચન અને યાચક છે. તું સર્વસંપન્ન, સર્વનિયતા, સર્વસામર્થ્યવાનછે.